આપણી કુળદેવી શ્રી ઉમિયા માતાજીનું મંદિર જ્યાં આવેલું છે તે ઊંઝા ગામ ની વાત છે. વર્ષો પેહલાં ઊંઝા ગામ દિલ્હી સરકારને ખંડણી ભરતું નહિ તેથી દિલ્હી સરકારે ખંડણી વસુલાત કરવા સેનાપતિને મોકલ્યા. ઊંઝા ગામના વતનીઓએ ભેગા થઇ સરકારને ખંડણી ભરી દીધી. પરંતુ તે પછી ઊંઝા ગામ ધનવાન છે તેવું જાણી સેનાપતિ એ ઊંઝા ગામમાં લુંટભાટ કરી ગયેલ તેની ફરિયાદ દિલ્હી સરકારમાં કરવામાં આવેલ.
થોડા વર્ષો પછી ઊંઝાથી થોડા કુટુંબો વિસરોડા જઈને વસ્યા. ત્યાંથી ચાંપાનેર ગયા , પાંચ પેઢી ત્યાં રહ્યા પછી જમનાપુર ગયા ત્યાંથી એક ભાઈ મગુના ગયા પછી બીજા ભાઈ પરીએજ ગયા ત્યાંથી દિલ્હી સરકારમાંથી ગામ પટો કરી લાવીને કેલીયાવાસણાનું તોરણ બાંધ્યું અને ત્યાં વસવાટ કર્યો.
વિરસોડાથી એક કુટુંબ ડરણ ગામે જઈ વસ્યું. કેલીયાવાસણામાં નવરાત્રીમાં માતાજીનો ગરબો કાઢયો. ત્યાં તેમના વાસમાં કોળીઓ ગામ પાડો લેવા આવ્યા તેમાં ધીંગાણું થયું. ઘણાં માણસો મરાયા. તે પછી કેલીયાવાસણાથી એક ભાઈ કાનમ બાજુ ગયા , બીજા ભાઈ માંડવે ગયા, ત્રીજા ભાઈ જૂનાગઢ ગયા તે વિરાભાઈ પટેલે મહાદેવજી મંદિરમાં જઈ તેમનું મસ્તક મહાદેવજી ઉપર ચટાવી દીધું. બાકી મુળાભાઈ પટેલ રહ્યા તે રાજપુર આવીને વસ્યા.
સવંત ૮૭૨ ના વૈશાખ સુદ- ૧૧ ને બુધવારના દિવસે શ્રેઠ મુહૂંતમા રાજપુર ગામનું તોરણ બાંધ્યું. તે વખતે ત્યાં અસલ આહિર ના છાપરાં હતા. મૂળાભાઈ પટેલ સાથે વનાચંદ શેઠ , દેવો ખત્રી, સતો માળી, વીરજી વાણંદ , વીરો લવાર , રણધીર કોટવાલ, માનો કુંભાર, કનોજી ગરાસીયા , વિસાજી ડોડીયા , ગગાભાઈ શેઠ , ગુણવંતભાઈ શેઠ હતા. આ ટાઈમમાં ડરણ ગામેથી સવંત ૧૮૭૨ માં એક કુટુંબ રાજપુર આવીને વસ્યું. તે કુટુંબમાં અત્યારે ચોથીયા કુટુંબના નામે ઓળખાય છે.
જયારે રાજપુર નું તોરણ બ્નાધ્યું ત્યારે ગામમાં પેસતાં જમણે ઘોઘાના ખીજડા હતા. તે જગ્યા હાલ ઘોઘા વાળો વાસ તરીકે ઓળખાય છે. ડાબે હાથે આહિરના તથા વાવ હતી. તેના થોડા ઘણાં અવશેષો જોવા મળે છે.
એક વર્ષે ચોથીયા પટેલ રણસીદાસે નાથ મેળો કરાવ્યો. તે વખતે વરુડા તલાવ સુધી મહેમાનોના ઉતારા હતા. ગામ ઝુલાસણ, નંદાસણ, ખેરપુર,સરસાવ,ઊંઝા, ઇરાણા, ઇન્દ્રાડ,ચડાસણા વગેરે ગામે ધર્મસાદ પડાવ્યો તથા ગામમાં આવતા જતા સર્વેજનોને જમાડ્યા. નાત મેળો ચાલુ હતો ત્યાં કલોલના વાઘેલાનો ઉમરાવ ફોજ લઇ ને નીકળ્યો ત્યારે કોઈ વાતે ધીંગાણું થયું તેમાંથી મોટી લડાઈ થઇ. તેમાં ૧૩ ડાભી , ૯ સીદી, ૩ વાણીયા, ૧૮ કોળી, ૧૫ પટેલ મૃત્યું પામ્યા. સામે પક્ષે પણ ખુમારી થઇ. પરંતુ ગામના હિમતવાન રહીસોએ તેઓને ડાંગરવા સુધી નસાડી મુકેલ.